લીઝ તો પૂરી થશે 700 વર્ષ પછી પણ કલ હમ હો ન હો


સી લિંક પરથી જમ્પ મારીને આત્મહત્યાના બનાવો બનવા લાગ્યા ત્યારથી મુંબઈ પોલીસ સજાગ થઇ ગઈ ને હવે આખો સીલિંક સર્વેલન્સ હેઠળ છે એટલે આત્મહત્યાના બનાવો ઘટી ગયા છે જેને માટે જવાબદાર સમય સંજોગ ને સમાજને લેખાય છે. આવી બધી વાતો સાંભળીને ક્યારેક ત્રાસ પણ થાય , કે ભાઈ જે થઇ રહ્યું છે તે અત્યારના સમયે જ થઇ રહ્યું છે ? પહેલા થયું જ નહોતું ? 
ભ્રુણહત્યા હોય કે લગ્નેતર સંબંધો કે પછી આત્મહત્યા સત્યુગમાં ,  મહાભારતના સમયે પણ થતા હતા ને આજે પણ થાય છે , એમાંથી ન તો 16મી સદી બાકાત છે ન 21મી સદી રહેશે  .

એમ કહેવાય કે જે વસ્તુ ને રોજ જોતાં મળતાં હો એની કિંમત ઘટી જાય।  એવું જ કૈંક છે રાજબાઇ ટાવર સાથે  . લંડનમાં હોંશે હોંશે બિગ બેન ટાવર જોનારને ખબર સુધ્ધાં નથી હોતી કે આપણો રાજબાઇ ટાવર બિગ બેનની પ્રતિકૃતિ છે. ન માનવું હોય તો જાતે જઈને જોઈ લેજો  .મુંબઈના વિકાસના તબક્કા તારીખ પ્રમાણે જોઈએ તો રાજાબાઈ ટાવર તો ઘણો મોડો નિર્માણ થયો છે. એ પહેલા તો શહેરને પાણી પૂરું પાડનાર તળાવ (જે આજે પણ મુંબઈગરાની પાણીની જરૂરિયાત પોષે છે ) લઇ , રસ્તાઓ, પોર્ટ ટ્રસ્ટ , શેરબજાર ને બળવાની પહેલી ચિનગારી પણ ચંપાઈ ચુકી હતી. મુંબઈ શિક્ષણધામ બન્યું એ પહેલા તો અત્યારે જેમ છે તેમ જ ઇંગ્લેન્ડ ભણવા જવા સ્ટીમરમાં જવાની હોડ ચાલતી હતી. મુંબઈના પ્રથમ ગવર્નર હતા મિસ્ટર વિલિયમ હોર્નબી , એ પણ અતિશય રસપ્રદ ઇતિહાસ છે એ વિષે વાત ફરી ક્યારેક પણ મુંબઈને બીજા ગવર્નર  મળ્યા જિરાલ્ડ ઑન્જીયર , એમના નામે પણ ઘણી સિદ્ધિઓ લખાય છે. મુંબઈ મહાનગર થવા જ સર્જાયું છે એવા શબ્દો એમને ભાખ્યા હતા એવા રેકોર્ડ્ઝ આજે છે.  
મુંબઈ શહેર બની ચૂક્યું હતું , એનો દબદબો કઈંક અલગ હતો જાણે મીની લંડન પણ ઇન્ડિયન સમસ્યા સહિતનું મુંબઈ શિક્ષણધામ વિના રહે એ કેમ ચાલે ? મુંબઈ યુનિવર્સીટીને માન્યતા મળી ઈ.સ 1857માં, જે સાલમાં બળવો થયો એ જ સાલ. પણ, યુનિવર્સીટીનું કોઈ મકાન જ નહીં  . એ માટે ફંડ્ઝ જ નહીં  .  સરકાર પાસે પૈસા નહીં ને લોકો તો મુંબઈમાં બે પાંદડે થતાં આવી રહ્યા હતા, એમની પાસે ક્યાંથી હોય? પણ, એ સમયે મુંબઈમાં ચાર જ્ઞાતિઓનો દબદબો હતો , ભાટિયા, પારસી , જૈન ને ખોજા. અને આ દબદબા પાછળનું કારણ એ કોમના શેઠિયાઓએ કરેલું કામ. 
કાવસજી જહાંગીર રેડીમની 
પ્રેમચંદ રાયચંદ સુરતના , દશા ઓશવાળ જૈન , એમને નાની ઉંમરમાં મુંબઈ આવી વેપારમાં કાઠું કાઢ્યું , કોટન કિંગ લેખાતા પ્રેમચંદ રોયચંદને રૂ (કોટન)એ તાર્યા ને માર્યા પણ એવું કહી શકાય  .


યુનિવર્સીટી બને એને મકાન મળે એનો વિસ્તાર વધે , કાર્યક્ષેત્ર વધે માટે બે શ્રેષ્ઠિઓ આગળ આવ્યા એક નવસારીના કાવસજી જહાંગીર રેડીમની ને બીજા તે મૂળ સુરતના પણ મુંબઈ આવીને કોટન કિંગ બનેલા પ્રેમચંદ રાયચંદ (રોયચંદ ઉચ્ચાર અંગ્રેજોનો છે)
આ બે મહારથીની ઓળખ આપવી જરૂરી છે.
રેડીમની સરનેમ વાંચીને નવાઈ લાગી ને ? એ સરનેમ કોઈન કરેલી એટલે કે ઉપનામ તરીકે અપાયેલી છે , બાકી કાવસજીની મૂળ અટક તો હવે વિસરાઈ ગઈ છે. આ રેડીમની નામ મળ્યું એમના હાથ પર રહેલી રોકડી ને કારણે  . એવું બને જ નહિ  કે કોઈ પણ સમયે એમની પાસે રોકડા ન હોય રેડી મની એની ટાઈમ , એટલે નામ પડ્યું રેડીમની  .નવસારીથી એક ક્લર્ક તરીકે કામ કરવા આવેલા કાવસજીનો વ્યાપાર હતો ઓપિયમનો , અફીણનું નામ સાંભળીને ઉભા થઇ જવાની જરૂર નથી, એ વખતે આ કાયદેસર ચાલતો હતો. કાવસજીએ એમાં સામ્રાજ્ય ખડું કર્યું હતું ને માત્ર મુંબઈ નહીં લંડનની યુનિવર્સીટી ઓફ એડિનબર્ગને પણ તારી હતી. આજે પણ ત્યાં કાવસજીનું સ્ટેચ્યુ છે. લંડન જાવ ને આ યુનિવર્સીટીની મુલાકાત લો તો જોજો જરૂર  .
પ્રેમચંદ રાયચંદ સુરતના , દશા ઓશવાળ જૈન , એમને નાની ઉંમરમાં મુંબઈ આવી વેપારમાં કાઠું કાઢ્યું , કોટન કિંગ લેખાતા પ્રેમચંદ રોયચંદને રૂ (કોટન)એ તાર્યા ને માર્યા પણ એવું કહી શકાય  . શેરબજારના સૌથી પહેલા સ્કેમ વિષે વાત કરીશું ત્યારે એ વાત , અત્યારે તો યુનિવર્સીટીના મકાન અને રાજાબાઈ ટાવરની  .

રેડીમનીએ તો આ જરૂરિયાત સમજીને 1863માં રૂપિયા એક લાખનું દાન આપી દીધું હતું  .પ્રેમચંદ રાયચંદે રૂપિયા બે લાખ આપ્યા એમની  માંગ હતી કે ક્લોક ટાવરને પોતાની માતા રાજાબાઈનું નામ અપાય  .
 મુંબઈ યુનિવર્સીટીને માન્યતા મળી ઈ.સ 1857માં પણ મકાન જ નહોતું  .

જોવાની ખૂબી એ છે કે દાન અપાઈ ગયું , સરકાર અંગ્રેજોની પણ તેમની કાર્યશૈલી બાબુશાહીવાળી , આ બાબુઓની જમાત ઉભી કરનાર જ અંગ્રેજ  . પ્રેમચંદ રાયચંદ જૈન વાણીયા  ને રેડીમની પારસી બાવા  . ટેમ્પરામેન્ટ માં આસમાન જમીનનો ફર્ક , એક વર્ષ સુધી કામ આગળ ન ચાલ્યું એટલે રેડીમનીએ તો યુનિવર્સીટીના રજિસ્ટ્રારને કડક નોટિસ જ મારી કે મેં આપેલા એક લાખ રૂપિયા તમે કામમાં વાપર્યા નથીને આગળ થાય એવી સંભાવના જણાતી નથી એટલે મને મારા લાખ રૂપિયા પાછા કરો , પણ પૂરા 5% વ્યાજ સાથે  .આ સાથે અંગ્રેજ સરકારની ઊંઘ ઉડી ગઈ ને હડબડાટમાં પાયો નાખવાનું કામ શરુ કર્યું  . 
રમૂજ પમાડે એવી વાત તો એ છે કે જ્યાં યુનિવર્સીટીનો શિલાન્યાસ થયો ત્યાં યુનિવર્સીટી નથી ત્યાં આજે હાઈ કોર્ટ ને પબ્લિક વર્કસની ઓફિસ ઉભી છે. રેડીમનીની રાતી આંખ જોઈને સમજાવટથી , તો પણ પાંચ વર્ષે બાજુના પ્લોટમાં યુનિવર્સીટીને લીઝ પાર અપાયો શરત એટલી કે આજુબાજુમાં કોઈ કમર્શિયલ બિલ્ડીંગ ન આવવું જોઈએ  .
લીઝ કેટલા વર્ષની ? 

પૂરાં 999 વર્ષની  . એટલે કે આ લીઝ પૂરી થવાનું વર્ષ છે ઈ.સ 2876. પણ જે થયું તે, દેર આયેં દુરસ્ત આયે ના ન્યાયે એક અદભૂત કળાકારીગીરીનો નમૂનો અવતર્યો જેના આર્કિટેક્ટ હતા સર જ્યોર્જ ગિલબર્ટ સ્કોટ , એમના નામની બોલબાલા હતી ગોથિક આર્કિટેક્ચર સ્ટાઇલિસ્ટ તરીકે  . આજે એમના નામની ગિલબર્ટ લેન અસ્તિત્વમાં છે. એટલું જ નહીં અંધેરીની મોસ્ટ ફેમસ ગિલબર્ટ હિલ પણ , એ ગિલબર્ટ હિલ વિશ્વભરમાં પ્રખ્યાત છે , શા માટે એ વિષે પણ વાત કરીશું ક્યારેક  .
રાજાબાઈ  ટાવર લંડનમાં બિગ  બેન પર મોડેલ થયો છે.  શિલાન્યાસ થયો 1 માર્ચ 1869 ના રોજ  અને બાંધકામ માત્ર નવ વર્ષના ગાળામાં નવેમ્બર 1878 માં પૂર્ણ થયું હતું. 

બાંધકામની કુલ કિંમત રૂ 5,50,000 હતી, 280 ફુટ ઊંચો એટલે કે લગભગ 28 માળનો ટાવર જયારે બંધાયો ત્યારે એક જોણું હતો.  તે સમયે  મુંબઇ શહેરમાં સૌથી ઊંચું માળખું હતું. એમાંથી દર થોડા ચાર કલાકે ત્રણ  ધૂન ગુંજતી હતી એક હતી Rule Britannia બીજી હતી God save the king અને ત્રીજી Home sweet home . એ ઉપરાંત અન્ય 13  સિમ્ફની પણ ગુંજતી રહેતી આજે હવે દર કલાકે ઘંટ વાગે છે.
રાજાબાઈ ટાવરની બ્યુટી શું છે એ જોવા એકવાર સમય કાઢીને જવું જોઈએ , બહારથી જુઓ તો મન પ્રસન્ન થઇ જાય. થોડા જ સમયમાં આ ટાવર બદનામ થઇ ગયો પ્રેમીઓની આત્મહત્યા માટે  . વર્ષો સુધી આ ટાવરના ઉપરી લેવલ સુધી જવાતું હતું પણ આત્મહત્યાના સિલસિલાને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખતા હવે એ પ્રતિબંધિત વિસ્તાર છે. 
એમાંથી દર થોડા ચાર કલાકે ત્રણ  ધૂન ગુંજતી હતી એક હતી Rule Britannia બીજી હતી God save the king અને ત્રીજી Home sweet home . એ ઉપરાંત અન્ય 13  સિમ્ફની પણ ગુંજતી રહેતી આજે હવે દર કલાકે ઘંટ વાગે છે.

આ ટાવરનું નિર્માણ  વેનેશિયન અને ગોથિક શૈલી પર છે . લોકલ મળતાં  કુર્લા પથ્થરમાંથી બનેલ છે. સૌથી ઉત્તમ છે તેની નાની નાની રંગીન કાચની વિંડોઝ જેમાં હવે રોશની ભાગ્યે જ હોય છે. રિયલ સ્ટેઇન્ડ ગ્લાસ વર્ક જોવું હોય તો સાઉથ મુંબઈમાં આવેલા જૂના ચર્ચ , સિનેગોગની મુલાકાત લેવી રહી. 


લીઝ તો પૂરી થશે 700 વર્ષ પછી પણ કલ હમ હો ન હો , જોઈ લેજો જરૂર  . 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

આવરણ: ખુલ્લી આંખે અંધારપટ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse